રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના બિજોલિયા વિસ્તારમાં આવેલા સીતાકુંડ જંગલમાંથી એક ચોંકાવનારી અને હૃદયને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાના 15-20 દિવસના માસૂમ શિશુને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યું છે કે, આ મહિલાએ શિશુને જંગલમાં લઈ જઈને તેના મોંમાં પથ્થર નાખ્યો અને ફેવિક્વિકથી મોં ચિપકાવી દીધું. ત્યારબાદ તેણે શિશુને પથ્થરોની વચ્ચે ફેંકીને ત્યાંથી ચાલી ગઈ.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે જંગલમાં બકરીઓ ચરાવતા કેટલાક માલધારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે બાળકના કણસવાનો અવાજ સાંભળ્યો અને તાત્કાલિક પથ્થરો હટાવીને જોયું તો બાળકનું મોં પથ્થર અને ફેવિક્વિકથી બંધ હતું. ગરમ પથ્થરોના કારણે બાળકનું શરીર પણ દાઝી ગયું હતું. આ દ્રશ્ય જોઈને ગામલોકો સ્તબ્ધ થઈ ગયા. માલધારીઓએ તરત જ બાળકને બહાર કાઢ્યું અને પોલીસ તથા પ્રશાસનને જાણ કરી.
બિજોલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકને તાત્કાલિક બિજોલિયા હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, બાળકનું મોં અને શરીર ગંભીર રીતે દાઝી ગયું છે અને તેની સારવાર ચાલી રહી છે. ગામલોકોએ આ ઘટનાને સમાજને હચમચાવનારી ગણાવી અને દોષિ મહિલાને જલ્દી પકડીને સખત સજા આપવાની માગ કરી છે.
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે માલધારીઓ ભગવાનના રૂપમાં આવ્યા અને બાળકનો જીવ બચાવ્યો. જો સમયસર બાળકનો અવાજ સાંભળીને તેને બહાર ન કાઢ્યું હોત તો તેનો જીવ જવાનું નક્કી હતું.
કળિયુગી મા: માસૂમ બાળકનું મોં પથ્થર અને ફેવિક્વિકથી બંધ કરી જંગલમાં ફેંક્યું.
By Kapil Patel (Bangalore)
Himanshu Ramani