પંચમહાલ જિલ્લામાં ફરી એક વખત લગ્ન નોંધણી કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. જાણવા મળ્યું છે કે કેટલાક ગામોમાં વાસ્તવિક વસ્તી કરતાં પણ વધુ પ્રમાણમાં લગ્ન નોંધણી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલો બહાર આવતા જ વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સીધું જ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને ઘોઘંબા તાલુકામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તારણોમાં જણાઈ આવ્યું છે કે તલાટીએ નિયમોની અવગણના કરીને મોટા પાયે લગ્ન નોંધણીઓ કરી છે. હાલમાં પી.એમ. પરમાર અને પ્રવીણ પટેલની જવાબદારી હેઠળની પંચાયતોમાં વિશેષ તપાસ હાથ ધરાઈ છે.

અગાઉ પણ બહાર આવ્યા હતા ચોંકાવનારા આંકડા

આ પહેલો બનાવ નથી. વર્ષ 2024માં પણ શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં 571, કાલોલ તાલુકાના મલાવ ગામમાં 1502 અને ઘોઘંબાના કણબી ગામમાં 62 લગ્ન નોંધણી થઈ હોવાનો કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ તત્કાલિન તલાટી પી.એમ. પરમારને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

જનહિત વિરુદ્ધ કૃત્ય

એક જ ગામની વસ્તી કરતાં વધુ લગ્ન નોંધણી થવી માત્ર ગેરરીતિ જ નહીં પરંતુ કાયદાની ઉલ્લંઘન પણ છે. આ પ્રક્રિયા દ્વારા નાગરિકો સાથે છેતરપિંડી થઈ હોવાનો પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

વહીવટી તંત્ર હાલ આ સમગ્ર કૌભાંડની મૂળ સુધી પહોંચવા સઘન તપાસ કરી રહ્યું છે અને આવતા દિવસોમાં અનેક નવા ખુલાસા થવાની સંભાવના છે.