ગઢશીશા: નાણાંની લેતી-દેતીના વિવાદમાં માંડવી તાલુકાના રાજપર ગામની સીમમાં પોતાના ખાસ મિત્રની હત્યા કરવાના ગુનામાં પકડાયેલા આરોપી પરિમલ બિહારીલાલ પંડ્યાને માંડવી કોર્ટે ૧ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. હત્યાનું કારણ ખરેખર નાણાંની લેતી-દેતી જ છે કે કેમ? કોઈ અન્ય ગુનામાં બીજા કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે રીમાન્ડ માગ્યા હતા.

બનાવ અંગે મૃતક વિજય મનુભાઈ વૈષ્ણવના પિતા મનુભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.વ. ૭૧, રહે. મહાવીરનગર, કોડાય, માંડવી)એ પડોશમાં રહેતા પરિમલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સંતાનમાં સૌથી મોટો પુત્ર વિજય હતો અને ત્યારબાદ બે દીકરીઓ છે.

વિજય અને પરિમલ બેઉ એકમેકના ખાસ મિત્રો હતા. બુધવારે સવારે બોલેરો લઈને પરિમલ તેમના ઘરે આવેલો અને વિજય બોલેરોમાં બેઠેલો. બેઉ જણ ગઢશીશાની સાઈટ પર જવા રવાના થયેલાં.

બપોરે હત્યાની જાણ થયેલી. મૃતક વિજયે પિતાને જણાવેલું કે તેની અને પરિમલ વચ્ચે નાણાંની લેતી-દેતી મામલે અવારનવાર બોલાચાલી થાય છે. પરિમલે તે મામલે વિજયની હત્યા કરી નાખી છે.

રોકાણ સામે પૂરતું વળતર ના મળતું હોવાનો હતો શક

વિજયની પત્ની અને પરિમલની પત્ની બેઉ શિક્ષિકા છે. પરિમલ પણ અગાઉ શિક્ષક તરીકે નોકરી કરતો હતો અને ૨૦૨૦માં રાજીનામું આપીને તે વિજયની માલિકીની પેઢી વિરમ એન્ટરપ્રાઈઝમાં ભાગીદાર તરીકે જોડાયેલો. તેમની પેઢી પાણી પુરવઠા અને નર્મદા નિગમના સિવિલ વર્ક્સના કોન્ટ્રાક્ટ લે છે.

પરિમલે પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તેણે ટુકડે ટુકડે વિજયની પેઢીમાં અંદાજે એકાદ કરોડ રૂપિયા જેટલું રોકાણ કર્યું છે. જો કે, પેઢીની માલિકી વિજયની હોઈ તમામ ચૂકવણાં વિજયના ખાતામાં થતા હતા.

વિજય બધા પૈસા પોતાની પાસે રાખી લેતો હોવાનો અને પૂરતું વળતર આપતો ના હોવાનો પરિમલને શક હતો. આ મામલે બેઉ વચ્ચે અવારનવાર વિવાદ સર્જાતો હતો.

૧૫ લાખ આપવાનું કહી ફરી ગયો એટલે મારી નાખ્યો

પરિમલે વિજય પાસે તેને મળેલ પેમેન્ટમાંથી ૧૫ લાખ રૂપિયા માગ્યા હતા. વિજયે તેને ગઢશીશાની સાઈટ ખાતે જઈ ૧૫ લાખ રૂપિયા આપી દેવાનું જણાવેલું. બુધવારે બેઉ જણ બોલેરોમાં ગઢશીશા આવવા નીકળેલાં. રસ્તામાં રાજપર નજીક વિજયે ગાડી થોભાવેલી અને કોઈકને ફોન કરી પેમેન્ટ આપવાની વાત કરેલી. બેઉ જણ થોડીકવાર માટે ગાડીની બહાર આવીને ઊભાં રહ્યાં હતા.

થોડીકવાર બાદ વિજયે પરિમલને જણાવેલું કે ‘પૈસા નથી, થાય તે કરી લે’. જેથી ઉશ્કેરાઈને પોતે ગાડીમાં રાખતો હતો તે છરી કાઢીને તેના ગળામાં ઝીંકી દીધી હતી. હત્યા બાદ લાશને ત્યાં જ રાખીને કોડાય પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. ગઢશીશાના ઈન્ચાર્જ પીઆઈ આર.બી. ટાપરીયા સઘન પૂછપરછ તપાસ કરી રહ્યા છે.