MSU Develops Electric-Conductive Fabric: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુત વાહક કાપડ તૈયાર કર્યું છે. આ કાપડ સેન્સરથી ચાલતી એપ્લિકેશન માટે મદદરૂપ થઈ શકે છે.
કાપડ પર સેન્સર લગાવી શકાય છે
ટેકસ્ટાઈલ કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ અઘ્યાપક ડો.ભરત પટેલ, અધ્યાપક પ્રિયંક પટેલના માર્ગદર્શન હેઠળ માસ્ટરના વિદ્યાર્થી કૃપાલ ગોંડલિયાએ પોલિએસ્ટર કાપડની આ સંશોધન માટે પસંદગી કરી હતી. ડો.ભરત પટેલ કહે છે કે,'પહેલા અમે તુલસીના અર્કનો ઉપયોગ કરીને કોપર નેનો પાર્ટિકલ્સ બનાવ્યા હતા. જેમાં બાઈન્ડર તરીકે કન્ડક્ટિવ પોલિમરનો ઉપયોગ કર્યો હતો. આ નેનો પાર્ટિકલ્સની લેયરનું કોટિંગ અમે પોલિએસ્ટર કાપડ પર કર્યું છે. જેના કારણે કાપડ વિદ્યુત વાહક બન્યું છે. આ કાપડ પર સેન્સર લગાવી શકાય છે અને તેના પર આધારિત એપને મોબાઈલ સાથે કનેકટ કરી શકાય છે.'
ડો.પટેલ કહે છે કે, 'ઉદાહરણ તરીકે ફિટનેસ એપ શરીરના ધબકારાનું મોનિટરિંગ કરે છે. આ માટેના સેન્સરને વિદ્યુત વાહક કાપડમાંથી બનેલા શર્ટના એક હિસ્સામાં ફિટ કરવામાં આવે તો આ શર્ટ પહેરનારના હૃદયના ધબકારાનું, સુગર, બ્લડ પ્રેશરનું મોબાઈલ થકી મોનિટરિંગ કરવું શક્ય છે. આ કાપડ પોતે એક વાયર તરીકેની ગરજ સારે છે. સાથે સાથે આ કાપડ ઈલેક્ટ્રો મેગ્નેટિક વેવ્સને પણ રોકી શકે છે. આમ તે જામર તરીકે પણ કામ કરી શકે છે. જો કે, તેની રેન્જ અને ક્ષમતાની ચકાસણી હજી બાકી છે.'
કાપડનો ઉપયોગ ભવિષ્યમાં સોલર પેનલ તરીકે કરવા માટે પણ સંશોધન
આ કાપડનો ઉપયોગ કરીને ભવિષ્યમાં સોલર પેનલ બનાવવાની યોજના છે. આ માટે તેના પર નેનો મટિરિયલના વધુ બે કોટિંગ કરવા પડશે.જેનાથી કાપડ ફોટો રિસેપ્ટિવ સેલ તરીકે કામ કરશે. અત્યારે સોલર પેનલો એક જ જગ્યાએ ફિટ કરવી પડે છે અને તે વાળી શકાય તેવી નથી હોતી. આ કાપડ ફ્લેક્સિબલ સોલર પેનલ તરીકે કામ કરશે. તેના થકી જે પણ વીજળી ઉત્પન્ન થશે તે મોબાઈલની પાવર બેન્ક જેવા ઉપકરણોને આસાનીથી ચાર્જ કરી શકશે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેનારાઓ માટે, ટ્રેકિંગ કરનારાઓ માટે અને ફરવા જનારાઓ માટે ઉપયોગી પૂરવાર થશે. વિદ્યુત વાહક કાપડ માટે અમે પેટન્ટ પણ એપ્લાય કરી છે.
નેનો ટેક્નોલોજીની મદદથી વિદ્યુત વાહક કાપડ તૈયાર કર્યું, MSUના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોની કમાલ.
