ઈડર-વલાસણા હાઈવે પર પાણીની ટાંકી અને પરબ સ્વેચ્છાએ દૂર કરાઈ
સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં હાઈકોર્ટની સૂચના બાદ જાહેર માર્ગ ૫રના ધાર્મિક દબાણ તોડવાનો આદેશ મળતા ખળભળાટ મચી ગયો હતો જેને લઈને સ્થાનિક તંત્રએ તાલુકાના ૯ જેટલા ધાર્મિક સ્થળોના સંચાલકોને સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી હતી જેને પગલે ઈડર-વલાસણા હાઈવે રોડ પર એક હનુમાનજી મંદિર આગળ બનાવેલ પાણીની ટાંકી તેમજ ૫રબનું દબાણ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્વેચ્છાએ દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર વર્ષ ૨૦૦૬ માં હાઈકોર્ટમાં દાખલ થયેલ એક અરજી સંદર્ભે રાજ્યભરના જાહેરમાર્ગો પરના ધાર્મિક દબાણો દૂર કરવા સૂચના આપી હતી જે સંદર્ભે સાબરકાંઠા જીલ્લા કલેક્ટરના આદેશ બાદ ઈડરના તંત્રએ પણ તાલુકામાં જાહેરમાર્ગ પર ઊભા કરાયેલ એક દરગાહ સહિત નવ જેટલા ધાર્મિક સ્થળોની યાદી તૈયાર કરી હતી ત્યારબાદ જેમાં સ્ટેટ હાઈવે પરના સાત નેશનલ હાઈવે પરનો એક અને જંગલ વિસ્તારમાં એક દબાણ હોઈ જેતે ધાર્મિક સ્થળના સંચાલકોને બોલાવી ગત વર્ષે ૨૦૨૪માં સ્વૈચ્છિક દબાણ દૂર કરવા મૌખિક સૂચના આપી હતી જોકે જેતે સમયે આ દબાણો દૂર કરાયા ન હતા. દરમિયાન તાજેતરમાં ફરી એક વાર જવાબ માંગતા આ ધાર્મિક દબાણોનું ભૂત ધુણવા લાગ્યું હતું જેમાં ગત ૧૬ જુલાઈના રોજ તંત્રએ મામલતદાર કચેરીમાં મિટિંગ બાદ દબાણકારોમાં નોટિસ આપી દબાણો દૂર કરવા નિર્ણય કર્યો હતો જે અનુસંધાને તંત્રએ એક દરગાહ સહિત નવ ધાર્મિક સ્થળોને સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ ફટકારતા હિન્દુ સંગઠનો સહિત ધર્મ પ્રેમી જનતામાં દેકારો મચી ગયો હતો જેને પગલે ઈડર થી વલાસણા હાઈવે પર સૂરપુરથી આગળ આવેલ એક હનુમાનજી મંદિરની આગળ પાણીની ટાંકી તેમજ ૫રબ બનાવી હતી. જે હાઈવેના દબાણમાં આવતું હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈ તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૫ ગુરુવારના રોજ આ દબાણ તંત્ર દ્વારા તોડી પડાય તે પહેલા પોલીસ પ્રોટેક્શન અને તંત્રની હાજરીમાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
By Himanshu Ramani (Idar)
Kapil Patel