ગુજરાતમાં ચોમાસાનો મિજાજ અત્યંત આક્રમક બન્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે અતિભારે વરસાદ પડે તેવી ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે કડક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

• ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

તંત્ર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ અને વડોદરા જેવા મધ્ય ગુજરાતના મુખ્ય વિસ્તારોમાં 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંચમહાલ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જારી કરાયું છે.

• સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં પણ રેડ એલર્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના બોટાદ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે, જેને પગલે ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

• મધ્યમથી ભારે વરસાદની શક્યતા

બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.

• નાગરિકોને સુરક્ષિત રહેવા અપીલ

નાગરિકોને આ સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, સવારના 8 થી 11 વાગ્યા સુધી સુરક્ષિત સ્થળે રહેવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.