ભાવનગરના પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા બે કાંઠે થયા છે. જેને પગલે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આદપુર ગામે વરસાદના પગલે રસ્તાનું ધોવાણ થયું છે. આ વિસ્તારમાં રસ્તાનું ધોવાણ થયું છે અને વરસાદી પાણી તેની ઉપર ફરી વળ્યું છે. જેને પગલે લોકોને હાલાકી પડી રહી છે. પાલીતાણાથી અવરજવર કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. આ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ સાથે ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ

તમને જણાવી દઈએ કે ભાવનગર શહેરમાં પણ 2 દિવસના વિરામ બાદ ફરી વાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને ધોધમાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે. શહેરના વાતાવરણમાં બપોરના સુમારે પલટો આવ્યો છે. સવારથી નીકળેલી વરાપ બાદ બપોરના સુમારે અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. શહેરમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા શરૂ થયા છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વલ્લભીપુર, મહુવા અને આસપાસના અન્ય ગામમાં વરસાદ શરૂ થયો છે.
12 જુલાઈએ ગારીયાધારમાં વરસ્યો વરસાદ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 12 જુલાઈએ ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં પાંચ વાગ્યાની આસપાસ કાળા દિબાંગ વાદળો ઘસી આવ્યા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. ગારીયાધાર શહેરમાં નીચાણવાળા મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂત વાડી, વાવ દરવાજા, રુપાવટી રોડ સહિતના વિસ્તારોમાં રોડ પાણીમાં ગરકાવ થયા હતા.