નેત્રંગ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો. આમ આદમી પાર્ટી (AAP) સૌથી મોટો પક્ષ બનીને પણ સત્તાથી વંચિત રહી ગઈ, જ્યારે ભાજપે કોંગ્રેસ સાથે અણધાર્યું ગઠબંધન કરીને સત્તા પર કબજો જમાવ્યો.
નેત્રંગ તાલુકા પંચાયતની 16 બેઠકોમાં આમ આદમી પાર્ટીએ 8 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી. બહુમતી માટે 9 સભ્યોનું સમર્થન જરૂરી હતું.
જો કે, ચૂંટણી પરિણામ આવ્યા બાદ AAPના એક સભ્યનું અચાનક નિધન થતાં પાર્ટીનું સંખ્યાબળ 7 પર આવી ગયું. આ ઘટનાએ સત્તા સંઘર્ષમાં મોટો વળાંક આપ્યો.
ભાજપ-કોંગ્રેસનું અણધાર્યું જોડાણ
પરંપરાગત રાજકીય હરીફો ગણાતા ભાજપ અને કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે હાથ મિલાવ્યા. આ ગઠબંધનના પરિણામે:
પ્રમુખ: મગન વસાવા (ભાજપ)
ઉપપ્રમુખ: નયના પ્રજાપતિ (કોંગ્રેસ)
ચૂંટણી દરમિયાન વાતાવરણ અત્યંત તનાવપૂર્ણ રહ્યું હતું. AAPના સભ્યો બાઉન્સરોની સુરક્ષા સાથે મતદાન માટે પહોંચ્યા હતા.
આ રીતે ભાજપે પોતાની સત્તા ટકાવી રાખવા માટે મોટો રાજકીય દાવ ખેલ્યો અને AAPના સત્તા સ્થાપનના સપના પર પાણી ફેરવી દીધું.
નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી
By Kapil Patel (Bangalore)
Himanshu Ramani