મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા અને વાપી ખાતેના આઠ સ્ટેશનોનું માળખાકીય કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આંતરિક સજાવટ, સ્ટેશન સુવિધાઓ અને અન્ય અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

સ્ટેશનોની ખાસ ડિઝાઇન અને પર્યાવરણલક્ષી સુવિધાઓ

સ્ટેશનોને શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. પર્યાવરણની ટકાઉપણાને ધ્યાનમાં રાખીને, કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો લગાવવામાં આવી રહ્યા છે, જે ઊર્જા ઉત્પન્ન કરશે. પ્લેટફોર્મ વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને હવાની અવરજવરની વ્યવસ્થા છે. વરસાદી પાણીના સંચય માટે ભૂગર્ભ જળ રિચાર્જિંગની સુવિધા અને ગટરના પાણીના શુદ્ધિકરણ માટે (એસટીપી) પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે.

મુસાફરોની સુવિધાઓ

મુસાફરોની સગવડ માટે દરેક સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ થશે. આરામદાયક બેઠકો, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, બાળક સંભાળ સુવિધાઓ, ખાદ્ય કિઓસ્ક, રિટેલ કાઉન્ટર અને અન્ય મુસાફર સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ

અમદાવાદ, વડોદરા, સાબરમતી અને સુરતના સ્ટેશનોને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ સ્ટેશનો બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો, બસ, ટેક્સી, ઓટો અને સ્થાનિક પરિવહન સેવાઓ સાથે જોડાયેલા હશે, જેથી પ્રવાસ ઝડપી, સુરક્ષિત અને અનુકૂળ બને. પાર્કિંગની સુવિધા પણ આ સ્ટેશનો પર ઉપલબ્ધ કરવામાં આવશે, જે મુસાફરોના અનુભવને વધુ સારો બનાવશે.

આ પ્રોજેક્ટ ભારતના રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા ધોરણો સ્થાપિત કરશે અને પ્રવાસીઓ માટે અદ્યતન સુવિધાઓ પૂરી પાડશે.