ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા મૂર્તિ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે ભારે હિંસા બાદ પરિસ્થિતિ બેકાબૂ બની હતી. બે સમુદાય વચ્ચે ભારે પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બાદ સમગ્ર જિલ્લામાં 24 કલાક માટે ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

નોંધનીય છે કે શુક્રવાર રાત્રે દુર્ગા મૂર્તિ વિસર્જનની યાત્રા દરમિયાન વિવાદ બાદ સમગ્ર તણાવ પેદા થયો હતો. રાત્રિના દોઢ બે વાગ્યા આસપાસ સ્થાનિકોએ ડીજે વગાડવા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ વિવાદ વધતો ગયો અને ટોળાંએ ઘરની છત પરથી જ ભીડ પર પથ્થર વરસાવ્યા. કટકના DCP પણ આ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હિંસાની ઘટનામાં CCTV ફૂટેજના આધારે પોલીસે છ ઉપદ્રવીઓની ધરપકડ કરી છે.

વી એચ પીએ બંધનું એલાન કર્યું

હિંસા મુદ્દે આજે ( રવિવારે ) કેટલાક લોકો આંદોલન કરી રહ્યા હતા જએ બાદ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં પોલીસ ઈન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા.

બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે સોમવારે 12 કલાકના 'બંધ'નું એલાન કર્યું છે. જે બાદ તંત્રએ ભીડ એકત્રિત થવા પર રોક લગાવી છે તથા પરિસ્થિતિ જોતાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે.