- 4 વર્ષ અગાઉ શરૂ થયેલી કેન્સર હોસ્પિટલ છેલ્લા 6 માસમાં 660 નવા દર્દી નોંધાયા
- વર્ષ-2024 માં આખા વર્ષ દરમિયાન 8,388 દર્દીની સામે ચાલુ વર્ષે જૂન સુધીમાં 6,051 દર્દીએ સારવાર મેળવી
ભાવનગર : જીસીઆરઆઈ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયૂટની જુલાઈ-૨૦૨૧માં સર ટી.હોસ્પિટલ કેમ્પસમાં શરૂ થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૬ માસના આંકડા અનુસાર કેન્સર હોસ્પિટલમાં ૬૬૦ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૬ હજારથી વધારે રેગ્યુલર દર્દીઓએ સારવાર મેળવી છે. ઉપરાંત ૪૦૦થી વધારે કેન્સરની સર્જરી થઈ છે.
ભાવનગરમાં કેન્સરના દર્દીઓ માટે જુલાઈ-૨૦૨૧માં જીસીઆરઆઈ સંચાલિત બીસીસીઆરઆઈ કેન્સર હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગર ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બોટાદના કેન્સરના દર્દીઓને નજીકના સેન્ટરમાં સારવાર મળી રહે તે માટે શરૂ થયેલી કેન્સર હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્સર હોસ્પિટલમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુન દરમિયાન કેન્સરના નવા ૬૬૦ દર્દીઓ મળી કુલ ૬૭૧૧ દર્દીઓઓ સારવાર મેળવી છે. વર્ષ-૨૦૨૪ના વર્ષ દરમિયાન કુલ ૯૩૩૧ કેન્સરના દર્દીઓએ સારવાર મેળવી હતી. જેની સરખામણીએ ચાલુ વર્ષના ૬ માસમાં જ ૬૭૧૧ દર્દીઓએ સારવાર મેળવી ચુક્યા છે ત્યારે ચાલુ વર્ષે કેન્સરના દર્દીઓનો આંકડો વધશે તેવી શક્યતા છે. ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં છેલ્લા ૬ માસમાં ૨૪૩ દર્દીઓને રેડિયોથેરાપી, ૧૨૦૦ દર્દીઓને કિમોથેરાપીની સારવાર આપવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલમાં ૬૩ મેજર અને ૩૨૪ માઈનોર કેન્સર સર્જરી કરવામાં આવી છે. લોકોમાં કેન્સરનું વધી રહેલું પ્રમાણ ચિંતાજનક બાબત છે, આંકડાઓ પ્રમાણે ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને ૧૦૦ નવા દર્દીઓ સારવાર મેળવવા આવે છે. ઉપરાંત જુલાઈ માસની વાત કરવામાં આવે તે ૧૫ જુલાઈ સુધીની સ્થિતિએ કેન્સર હોસ્પિટલમાં ૩૫ નવા દર્દી, ૫૫૬ દર્દીઓએ ફોલોઅપ માટે આવી સારવાર મેળવી છે. તેમજ ૧૫ દર્દીઓને રેડિયોથેરાપી તથા ૭૦ દર્દીઓને કિમોથેરાપીની સારવાર આપવામાં આવી છે. તેમજ ૩ મેજર અને ૩૧ માઈનોર ઓપરેશન થયાં છે.
સાવધાન કેન્સરનું પ્રમાણ વધ્યું
