પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદી વિસ્તારોમાં તાજેતરના હવાઈ હુમલાઓ અને અથડામણો પછી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. સુરક્ષા સૂત્રો અને સ્થાનિક અહેવાલો અનુસાર, ડુરન્ડ લાઇન પરના કુર્રમ જિલ્લાના ગાવી વિસ્તારમાં પાકિસ્તાની અને અફઘાન દળો વચ્ચે મોડી રાત્રે ભારે અથડામણ થઈ હતી. શરૂઆતની અડધી કલાક સુધી નાના હથિયારોથી ગોળીબાર શરૂ થયો, પરંતુ તે ટૂંક સમયમાં તોપમારા અને ભારે બોમ્બમારા સુધી પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ અફઘાનિસ્તાન પર કથિતરૂપે પાકિસ્તાન દ્વારા કાબુલમાં એર સ્ટ્રાઈક કરાયાના અહેવાલો આવ્યા હતા અને તેના બદલારૂપે અફઘાની સેનાએ પાકિસ્તન વિરુદ્ધ આ કાર્યવાહી કરી હોવાની ચર્ચા છે.

તાલિબાન દ્વારા સરહદી ચોકીઓ પર હુમલો

આ હિંસક અથડામણ શનિવારે મોડી રાત્રે શરૂ થઈ જ્યારે કથિત રીતે તાલિબાન દળોએ પાકિસ્તાની સરહદી ચોકીઓ પર ગોળીબાર કર્યો. સ્થાનિક મીડિયાએ આ ઘટનાનો વિડિયો પણ જાહેર કર્યો છે, જેમાં બંને તરફથી ભારે ગોળીબાર અને બોમ્બમારાના દૃશ્યો જોવા મળી શકે છે.અહેવાલો મુજબ, અફઘાનિસ્તાનની 201 ખાલિદ બિન વલીદ આર્મી કોર દ્વારા 11 ઓક્ટોબરની મોડી રાત્રે નંગરહાર અને કુનાર પ્રાંતોમાં ડુરન્ડ લાઇન નજીક પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર મોટા પાયે હુમલા શરૂ કરવામાં આવ્યા હતા.

અફઘાન મીડિયાનો મોટો દાવો

અફઘાનિસ્તાન સરકારના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ઇસ્લામિક એમીરેટ્સ ઑફ અફઘાનિસ્તાનના સૈનિકોએ પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ પર કબજો કરી લીધો છે. તાલિબાનના જણાવ્યા મુજબ, કુનાર અને હેલમંદ પ્રાંતોમાં એક-એક પાકિસ્તાની ચોકીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, હેલમંદના બહરમ ચાહ જિલ્લામાં થયેલી અથડામણોમાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને એક સૈન્ય ટેન્ક (Mil Dehshika tank) અફઘાન દળોના કબજામાં આવી ગયો હતો.


પાકિસ્તાની મીડિયાનો અલગ જ દાવો

આ ઉપરાંત, કંધારના માયવંદ જિલ્લામાં પાંચ પાકિસ્તાની સૈનિકોએ તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હોવાનો પણ દાવો કરાયો છે. બીજી તરફ, પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાની દળોએ વળતી કાર્યવાહી કરીને ઘણી અફઘાન સરહદી ચોકીઓને અસરકારક રીતે નિશાન બનાવી છે. આ કાર્યવાહીમાં અનેક અફઘાન ચોકીઓ અને આતંકવાદી અડ્ડાઓને ભારે નુકસાન થયું છે અને કેટલાક અફઘાન સૈનિકો અને લડવૈયાઓ માર્યા ગયા છે.

કતારે વાતચીત કરવા અપીલ કરી

સરહદ પર વધતા સંઘર્ષ વચ્ચે કતાર દેશે સત્તાવાર રીતે નિવેદન બહાર પાડીને પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કતારના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને હિંસાથી પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા પર ગંભીર અસર થઈ શકે છે. કતારે બંને દેશોને સંવાદ, કૂટનીતિ અને સંયમ અપનાવવાની અપીલ કરી છે.