ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતમાં નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે વરાછા વિસ્તાર (Varachha area) માં ઓપરેશન હાથ ધરીને રુ. 500 ના દરની કુલ રુ.5 લાખની નકલી નોટો (Fake Currency) ઝડપી પાડી છે. આ મામલે પોલીસે એક રત્ન કલાકાર અને તેના સાથીદારની ધરપકડ કરી છે, જેઓ છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંકળાયેલા હતા.
હાઈ-ક્વોલિટી પ્રિન્ટવાળી નકલી નોટો!
સુરત SOG ને ચોક્કસ માહિતી મળી હતી કે વરાછાના મીની બજાર વિસ્તારમાં નકલી નોટોનું ચલણ વટાવવા માટે કેટલાક શખ્સો સક્રિય છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને પરેશ પુનાભાઈ હડિયા (Paresh Punabhai Hadiya) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પરેશની તલાશી લેતા તેની પાસેથી રુ. 500 ના દરની હાઈ-ક્વોલિટી પ્રિન્ટવાળી નકલી નોટો મળી આવી હતી. પરેશ વરાછાની જાણીતી કિરણ ડાયમંડ કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. તેની પૂછપરછમાં તેના અન્ય સાથીદાર રાજુ વાઘાંશી (Raju Vaghanshi) નું નામ ખુલતા પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપીઓ અત્યંત ચાલાકીથી કામ કરતા હતા. તેઓ હાઈ-ક્વોલિટી કલર પ્રિન્ટર અને ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કરીને નકલી નોટો છાપતા હતા. આ નોટો અસલી જેવી જ દેખાય તે માટે તેઓ ખાસ પેપરનો ઉપયોગ કરતા. આરોપીઓ ખાસ કરીને વરાછા મીની બજાર જેવા ભીડભાડવાળા વિસ્તારો, શાકભાજી માર્કેટ અને નાની દુકાનોને નિશાન બનાવતા હતા, જ્યાં ઉતાવળમાં કોઈ નોટની ચકાસણી ન કરે.
25 લાખનું સર્ક્યુલેશન
પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ટોળકી છેલ્લા એક વર્ષથી સક્રિય હતી અને અત્યાર સુધીમાં બજારમાં અંદાજે રુ. 25 લાખ જેટલી નકલી નોટો ઘુસાડી ચુકી છે. આરોપી પરેશ હડિયા મૂળ સાવરકુંડલાનો છે અને તે રાજુ વાઘાંશી પાસેથી આ નોટો મેળવતો હતો. બંને વચ્ચે નફાની વહેંચણી 50 થી 75 ટકાના ધોરણે નક્કી કરવામાં આવી હતી. એટલે કે, નકલી નોટ વટાવ્યા બાદ મળતા અસલી નાણાંમાં રાજુનો મોટો હિસ્સો રહેતો હતો.
પોલીસની કડક કાર્યવાહી
SOG એ આ મામલે ગુનો નોંધીને નોટો છાપવા માટે વપરાતા સાધનો અને અન્ય સામગ્રી કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અન્ય કેટલા લોકો આમાં સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. સુરત જેવા આર્થિક હબમાં આટલી મોટી માત્રામાં નકલી નોટો પકડાતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
1 વર્ષમાં 25 લાખ નકલી રુપિયા વાપર્યા! અંતે પોલીસે આ રીતે 2 આરોપીને પકડ્યા!
By Kapil Patel (Bangalore)