સાબરકાંઠા જીલ્લાના ઈડર શહેરના ઘાંટી વિસ્તારમાં વર્ષ ૨૦૦૮ માં કરોડના ખર્ચે બનાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે શુદ્ધ પાણીને બદલે ડોહોળું પાણી મળતું હોવાના હોબાળા બાદ તંત્રએ આ પ્લાન્ટ જોવા માટે દોટ મુકી હતી જેમાં તંત્રની તપાસ દરમિયાન અહીં કેટલાકે હંગામી રહેણાંક બનાવી દેતા ચીફ ઓફિસર પણ ચોંકી ઉઠયા હતા પરંતુ આ પ્રકારની અવદશા થતા પાલિકાના બાંધકામ વિભાગના પેટનું પાણી પણ હલતું નથી.

ઈડર નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા શુભઆશયથી કરોડોના ખર્ચે બનાવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તંત્રની દેખરેખને અભાવે મરણ પથારીએ પડયો છે આ પ્લાન્ટ હાલમાં શુદ્ધ પાણીને બદલે ડોહોળું અને કાળું પાણી તૈયાર કરતો હોવા છતા તંત્રની ઉંઘ ઉડતી નથી પાલિકાના પાણી પુરવઠા વિભાગના ઈજનેરે જણાવ્યું હતું કે પરોઈમાંથી આવતા પાણીને શુદ્ધ કરવા અહીં અસંખ્ય કિલો ફટકડીનો વપરાશ અને વારંવાર ક્લોરીનેશન છતાં પાણીની શુદ્ધતા ન જણાતા વારંવાર આ પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી હતી. આ બાબતે વિભાગ દ્વારા કચેરીને લેખિતમાં જાણ કરવા છતાં કચેરી થકી દુર્લક્ષ સેવાતો પાણીને મામલે હોબાળો મચી જવા પામ્યો હતો પ્લાન્ટની શુદ્ધિકરણની ક્ષમતા પચાસ ટકાએ પહોંચી જઈ હોવાનું જણાવાયું હોવા છતાં તંત્રએ રીપેરીંગ કામ હાથ ધર્યું ન હતું અને ફરીવાર લોકોને કૂવાના પાણી પીવડાવવાનો વારો આવ્યો હતો આ બાબતે શુક્રવારે ઘાટી પ્લાન્ટની તપાસ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી અહીં પ્રાંગણમાં ઘેટાંનું ટોળું અને ઓસળીમાં કોઈનું રહેઠાણ જોવા મળ્યું હતું..

વીજળી બોર્ડમાંથી ફયુજ ગાયબ અને જોખમી હાલતમાં વીજ વાયર જોવા મળ્યા હતા બાદમાં આ બાબતે ચીફ ઓફિસરને આ પ્લાન્ટ પાછળના ખર્ચની વિગતો પૂછવા જતા ત્યાં હાજર બાંધકામ ઈજનેરે ચીફ ઓફિસરને બદલે ઉદ્ધતાઈ ભર્યા શંકા પ્રેરક જવાબો આપી પ્રકરણને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે અમારે ઘણું કામ હોઈ આગામી દેસ દિવસ સુધી પણ આ બાબતે કોઈ જવાબ મળી શકશે નહીં જેને કારણે પ્લાન્ટના ખર્ચ બાબતે અનેક શંકાકુશંકાઓ ઉભી થઈ હતી સમગ્ર મામલે શંકાના સમાધાન અને વારંવાર કરાયેલ ખર્ચની વિગતો નગરજનો સમક્ષ લાવવા ઈડરના એક જાગૃત નાગરિકે વિજિલન્સ સહિત ઉચ્ચ કક્ષાએ અરજીઓ કરી તપાસની માંગણી કરી હતી.

બાંધકામ ઈજનેરે ખર્ચની વિગતો આપવા ઈનકાર કર્યો

આ સમગ્ર બાબતે પાલિકાના બાંધકામ વિભાગના ઈજનેરે આ પ્લાન્ટ કયા વર્ષમાં અને કેટલા ખર્ચે બન્યો હતો તેની વિગતો આપવાનો ઈનકાર કરી પ્લાન્ટ બાબતની બેદરકારી છુપાવવા પ્રયાસ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે અમારે બીજા ઘણા કામ હોઈ આગામી દસ દિવસ પછી પણ આ પ્લાન્ટની વિગત મળી શકે તેમ નથી જયારે કે પ્લાન્ટના કરોડોના ખર્ચ બાદ તંત્રે અવારનવાર લાખ્ખો રૂપિયાનો ખર્ચ ઉધાર્યો હોવા છતાં પ્લાન્ટની આ પ્રકારની દૂરદશા માટે જવાબદાર કોણ?